About Devang Trivedi

એક બીજો ગુજરાતી માણસ. નાનપણથી જ સાહિત્ય પ્રત્યે રસ. સદભાગ્યે, કેટલાક શિક્ષકોની આડકતરી મદદ અને પ્રોત્સાહનથી કવિતાના પ્રકાર ગઝલ પ્રત્યે લગાવ થઈ ગયો, and here I am. Please comment and let me know, if something I missed or it needs to be fixed. Happy Reading... Contact: surajnasapna@yahoo.com

ઢળવા જોઇએ

એક જણ, હા, એક જણ તો વાત કરવા જોઇએ;
સૂર્યને પણ પહાડ પાછળ સાંજે ઢળવા જોઇએ.

આ કળીઓને તો જૂઓ ધ્યાન દઈને, બાગમાં;
છોકરીની જેમ અમસ્તા જ સજવા જોઇએ.

કોઈ મોકળું રહ્યું નથી મેદાન, તારા શહેરમાં;
જ્યાં જગ્યા દેખાય ખુલ્લી, ભીંત ચણવા જોઇએ.

તેલ ઇચ્છાઓનું માનો, જળની ઘટનાઓ ગણો;
ધારે છે એ, એમના મન તોય ભળવાં જોઇએ.

શ્વાસની પરવા ન કરતાં આંખ મીંચી લઉં છું હું;
ડૂબકી મારો જો તળિયે, મોતી મળવાં જોઇએ.

રૂમમાંથી બહાર નીકળું, ટોળું શોધી લઉં કોઈ;
આ ગઝલ માટે તો કિસ્સા કોઈ બનવા જોઇએ.

છું

છે તો સાચું, વણઝારો છું;
છતાં કહું છું, હું તારો છું.

મગજ કહે છે, બિચારો છું;
ને દિલ માને, ધુતારો છું.

દબાવી દઈને ગળું ખ્વાબનું,
હકીકતમાં હત્યારો છું.

જણાવી દઉં? હું કેવો છું,
જે છું, તારા વિચારો છું.

છું ઊભો લાંબી લાઈનમાં,
હું ઈચ્છાનો ધસારો છું!

શું છું, ક્યાં છું, શા માટે છું;
હા, હું પોતે ઈશારો છું.

વિરહમાં

આવી જા પાછી કે તારી યાદ આવે,
સાવ પથ્થર જીભને જુબાન આવે.

ઘર તો જાણે તારી યાદોનો સમંદર,
બહાર નીકળું તો તરત વરસાદ આવે.

ફોન, ટીવી, ચોપડી ને ફેસબુક, બધું-
વ્યર્થ, જ્યારે યાદ બહુ ઇન્સાન આવે.

કરું શું દ્વાપરનું ને કળિયુગનું વિરહમાં,
મારે તો વીતે દિવસ ને રાત આવે.

આખરે ભૂલી ગયો હોઉં હું એને,
ને મને ભૂલી ગયાનો ખ્યાલ આવે.

એક કિસ્સો બેંકમાં રાખ્યો છે, જેથી;
રીતસર કાયમનું એનું વ્યાજ આવે.

વિરહઃ જુદાઈ, પ્રિયજનનો વિયોગ.

કડી

શાંત આંખો પણ ગમે ત્યારે રડી છે,
જિંદગીના ગીતની એ પણ કડી છે.

જોઇ નહિ જ્યારે મેં, સઘળે તો હતી એ;
આ હવા વાદળ બની નજરે ચડી છે.

બાળપણની સ્કૂલ જેવી જિંદગી છે,
ચાલુ થઈ કૉલેજ તો સમજણ પડી છે.

ચાલવામાં ના બન્યો ઠોકર જમાનો,
ત્યારે પોતાની જ ઇચ્છાઓ નડી છે.

બેફિકર છું, જિંદગીના કોયડાથી;
ઊલઝેલા છે એ, જેઓને પડી છે.

સાગરો ઘૂઘવશે, મારા લોચનોના;
તારી આંખોમાંથી ગંગોત્રી જડી છે!

પ્રેમમાં તો ના સફળતાનો મળ્યો સાથ,
કે ના આ નાકામિયાબીઓ લડી છે.

આવે છે ચુપચાપ, નાસી જાય જલદી;
ઓ સમય, પોકારવી તારી છડી છે.

એને ભેટેલો છું

ખાલી એનો જામ છે, એ તરસે પણ નહિ;
એને ભેટેલો છું, ને એ અડશે પણ નહિ!

જીવતો રહી જાય છે આ રાંક શાથી?
આપું કશું તો હાથ આગળ ધરશે પણ નહિ.

તેથી ચાહવાનું ગમે છે આ ખુદાને-
મૌન છે એ, હસશે પણ નહિ, રડશે પણ નહિ.

પીવડાવે જો એ, તો આનંદ આવે;
જાતે પી જાઉં, તો દારૂ ચડશે પણ નહિ.

પંથ લઉં ખોટો તો લોકો રોકશે નહિ,
જાણે લોકો, નહિ તો પાછો વળશે પણ નહિ.

ના હલાવ્યે રાખ સાકરને, ઓ અંગુલિ!
દૂધની ઇચ્છા વગર એ ભળશે પણ નહિ.

જો જુદા થઈએ તો શું અંજામ આવે?
જાણું છું, તારા વગર તો ગમશે પણ નહિ.

મહાભારત

મેં શબ્દરૂપી કૌરવો જોયાં કુરુક્ષેત્રે,
લડતાં ગઝલના પાંડવો જોયાં કુરુક્ષેત્રે.

જો બાગમાંથી પુષ્પરજ ભમરાએ ફેલાવી,
તો ફૂલના લડતાં કર્ણો જોયાં કુરુક્ષેત્રે.

આખા જગતને છે ખબર, સાચું શું, ખોટું શું;
યુદ્ધે જતાં પિતામહો જોયાં કુરુક્ષેત્રે.

મોટાં સિતારા જોઈને થંભી ગયો સૂરજ,
ઉપદેશતાં રથચાલકો જોયાં કુરુક્ષેત્રે.

વંટોળમાં માથું છુપાવી દીધું રેતીમાં,
બધું દેખી લેતાં સંજયો જોયાં કુરુક્ષેત્રે.