About Devang Trivedi

એક બીજો ગુજરાતી માણસ. નાનપણથી જ સાહિત્ય પ્રત્યે રસ. સદભાગ્યે, કેટલાક શિક્ષકોની આડકતરી મદદ અને પ્રોત્સાહનથી કવિતાના પ્રકાર ગઝલ પ્રત્યે લગાવ થઈ ગયો, and here I am. Please comment and let me know, if something I missed or it needs to be fixed. Happy Reading... Contact: surajnasapna@yahoo.com

એનો ભેદ

એક મોટો છેદ છે,
એ જ એનો ભેદ છે.

વરાળ એની મેં કરી,
નીરનો વિચ્છેદ છે.

હાસ્ય, આંસુ, લાગણી;
આપણા ત્રણ વેદ છે.

લાશને તરતી કરી,
સિંધુનો એ ખેદ છે.

આ દરેકનું છે બહાનું-
જિંદગીની કેદ છે.

શ્રમની ઓળખ ઓસ આ,
પુષ્પનો પ્રસ્વેદ છે.

હિંદુ, મુસ્લિમ ને ઈસાઈ;
માનવીનો મેદ છે.

સપનું સાચું પડ્યું

સવારે રાતના એ શમણા તો ગુલાબ થઈ ગયા,
હા, સપનું સાચું પડ્યું એ, કે અમે નવાબ થઈ ગયા.

સૂરજને જીતવો જ પડશે, વાદળોનો ગઢ હવે;
કે મેઘચાપથી આ રંગ બેનકાબ થઈ ગયા.

વિચાર આવી શું ગયો, હૃદયરૂપી જગત મહીં;
એ ઈદનો છે ચાંદ, તોય આફતાબ થઈ ગયા!

દરેકને ચુભ્યા છે સ્પર્શ, કંટકો સમાન મુજ;
નજર શું થઈ ત્યાં એમની, એ ફૂલછાબ થઈ ગયા.

ખુદા, હવે જરૂર તારી હોય નહિ, તું સમજે છે;
કે ખુદની સાથે જ સવાલ ને જવાબ થઈ ગયા!

ગઝલ બે-ત્રણ લખી શું દીધી, આ ફકીરે શોખની;
દુકાને લેણદારના બધા હિસાબ થઈ ગયા.

મેઘચાપઃ મેઘધનુષ
આફતાબઃ સૂરજ

 

બસ ઇનફ?

જ્યાં ગયો હું, લાગ્યું પ્રિઝન, બસ ઇનફ;
હેલ આ છે, આ જ હેવન, બસ ઇનફ.

કોઈને ચાહવું, છતાં અગ્રી ના થવું;
લવમાં પણ થ્રી ને ટુ ને વન, બસ ઇનફ.

ત્યારે પથ્થર હું થયો, જ્યારે થયાં-
આંસુ ખુદના જ પૉઇઝન, બસ ઇનફ.

શીખ લાઇફ મારી, એમાંથી જરા;
ડેથ જ્યારે પણ કરે ફન, બસ ઇનફ.

કેટલા સૂરજ હું બાળું ભીતરે,
મેમરી રહે તોય ફ્રોઝન્, બસ ઇનફ.

હું ચલાવું એ, કે ફોડે ખુદ સમય;
એની એ. કે. ફોર્ટી સેવન, બસ ઇનફ.

ફૂલ મહેકે, પંખી ચહકે બાગમાં;
એનું માણસ જાણે રીઝન, બસ ઇનફ.

બહુ કરે છે હર્ટ, શાથી ટ્રૂથ આ;
ક્યાંક એજંડા છે હિડન, બસ ઇનફ.

થઈ ગઝલ પૂરી, ને બોલી પેન કશું;
એમ આઈ ટોટલી ડન? બસ ઇનફ.

અંગ્રેજી ભાષા એવી છે કે એમાં નવા ને નવા શબ્દો ઉમેરાતા જાય છે, નવા ને નવા માણસો બોલતા થાય છે. આપણી ગુજરાતી ભાષાને પણ થોડી flexible (જોયું?) ના બનાવી શકાય આપણી આવનારી પેઢી માટે?

ધબકતા દિલોમાં

ઉજ્જડ બધા દિલોમાં, આ ગામ ક્યાંથી હોય?
વણઝાર રઝળતી રહે, મુકામ ક્યાંથી હોય?

ઝાકળ હું ને, તમે તો સૂરજ બની ગયા;
આપણને એકબીજાનું કામ ક્યાંથી હોય?

ત્યાં વાત બેવફાઈની નીકળી, પછી;
હું ચુપ ને ચુપ તમે પણ, સરે આમ ક્યાંથી હોય?

તૈયાર છે બધા, એ ઘટના ભૂલી જવા;
લોકોના હાથમાં નહિ તો જામ ક્યાંથી હોય?

ક્યાં થાય છે અસર, આ ઉપચારની હવે?
નહિ તો, બજારમાં સસ્તા દામ ક્યાંથી હોય?

આ શ્વાસની અદાલત, ના દઈ શકે સજા;
મુજરિમ જો ના મળે, તો ઇલજામ ક્યાંથી હોય?

દીવાનગી

વસંતોના નશાને પણ ભરી લો,
હયાતીનું જે છે, એ રણ ભરી લો.

કરીને દૂર જીવનને, જૂઓ તો;
ન હોવાનું એ વાતાવરણ ભરી લો.

ગગનને એમ ઢાંકી તો શકાશે?
વરાળનું એ જ આવરણ ભરી લો.

સમંદરના યુગો તો યાદ ન રહે,
ઉછળતું, વહેતું આ ઝરણ ભરી લો.

પુરાવા એ જ છે, માણસપણાના,
નયનના આંસુ, એ કણ-કણ ભરી લો!

હૃદયનો આયનો ખાલી ન રાખો,
અમારા જેવું કોઈ જણ ભરી લો.

શું દુઃખ દેવાંગ કરું, દીવાનગી પર;
ન સમજ્યા ક્શુંય, એવી સમજણ ભરી લો.

તું ગમે છે

તું ગમે છે, રોજ એ કહેવાનું રાખું;
એમ તારાઓ સુંધી ઉડવાનું રાખું!

રોજ બનતી રહે ગઝલ, મારી શમાની;
રોજ પરવાનો બની બળવાનું રાખું.

રાતદિન એને જ જોયા કરું, એ કહે તો;
કામ ધંધો છોડી આ કરવાનું રાખું.

પ્રેમનો પર્વત છે, દરિયો તો નહિ જ;
ચાલ, તો પણ ક્યાંક હું ડૂબવાનું રાખું.

શ્વાસનો કૂવો આ, ખાલી થઈ જવાનો;
જોઉં એને, પાણી ત્યાં ભરવાનું રાખું.

શાયરી ના ફાવે, મારું કોઈ ગજુ નહિ;
તે જે બોલી જાય, એ લખવાનું રાખું.

આ ગઝલને સાવ હલકી ફુલકી જ બનાવવી હતી.
સામાન્ય રીતે પ્રેમને દરિયા સાથે સરખાવવામાં આવે છે, જેથી ‘એ તો આના પ્રેમમાં ડૂબી જ ગયો છે’ એવું કહી શકાય. પણ એ પ્રેમી માટે એવો પણ સમય આવે, કે જાત-જાતની અડચણો સહન કરીને એ તો પાગલ (દીવાનો) જેવો, સાવ એકલો થઈ ગયો હોય, છતાં એણે પ્રેમ છોડ્યો ના હોય તો આપણા પ્રેમીએ હિમાલય સર કર્યો કહેવાય કે નહિ?
પાણી ભરવું એ રૂઢિપ્રયોગનો સામાન્ય અર્થ ઉતરતી કક્ષાના હોવું, સરખામણીમાં નબળાં હોવું એવો થાય છે. પણ જેને પ્રેમ કરીએ છીએ એનાં સમકક્ષ હોવાની કલ્પના પણ ના કરતાં હોઇએ તો આખો શ્વાસનો (આખી જિંદગીનો) કૂવો પાણી જ ભરવાનું આવે!