જ્યારે જણાવું કેફિયત

ખુશ રાખવા માટે તને, કેટલું હવે સાહસ કરું;
જ્યારે જણાવું કેફિયત, લાગે તને, ફારસ કરું.

આ જિંદગીના રણ મહીં, ઓ ઝાંઝવા, તું સાથ દે;
તૃપ્તિ મને થઈ ગઈ છે પણ, તારા લીધે તરસ કરું.

મંજૂર જો થઈ જાય તું, રોમાંચ ના રહે સહેજ પણ;
તું પાડવાની હોય ના, તો પ્રેમનું સાહસ કરું!

એ શ્યામ શાથી હોય છે, ઓછાયા લોકોના બધે;
આવે સમીપે મારી તું, તો એમને સરસ કરું.

લે છે છુપાવી આંખને, લૂછી દે છે તું આંસુને;
જો આપે બે-ત્રણ બુંદ તો, પથ્થરને હું પારસ કરું.

જુલમી બની ગયું એક દુઃખ, એ વાત તારી જાણું છું;
લઈ આવ તું મારી ગઝલ, તારા વિષે સિફારસ કરું!

લાગ્યો જરા ડર મોતનો, એ કારણે મારા મરણ;
આ જિંદગીને કેટલી તારા વગર નીરસ કરું.

કેફિયતઃ બયાન, હકીકત.
ફારસઃ હસવા જેવું કામ કે વર્તન,પ્રહસન.
ઓછાયાઃ પડછાયા.
પારસઃ સ્પર્શ થતાં લોખંડનું સોનું બની જાય એવી માન્યતા.
સિફારસ કરવીઃ ભલામણ કરવી, લાગવગ માટે કોઈને વાત કરવી.

ખુમારીવાળી ગઝલો ગુજરાતી ભાષામાં બહુ ઓછી લખાય છે.(compare to Urdu and Hindi)
એક કિસ્સો યાદ આવી ગયો તો આ રચના થઈ ગઈ. આમેય “ગા ગા લ ગા” છંદ માટે ખુમારીનો વિષય સારો.

જે શોધું એ જડે તો

જે શોધું એ જડે તો, એને જ ગણું ખજાનો;
બસ, એમ બહુ ઝડપથી ધનવાન થઈ જવાનો.

આ શહેરમાં બધા જ વેપારી લાગે વસતા;
હિસાબ રાખે લોકો વિશ્વાસનો, દગાનો.

જીવન તું એવું દે છે, તો મોત વહાલું લાગે;
જો મોતનો ના રહે ડર, મતલબ શું છે સજાનો?

આ એકઠા થયેલા લોકો છે એકલા જ;
જ્યાં જાય માનવી આ, બસ ફેર છે જગાનો!

સરનામું ઘરનું હતું ને, ભટકી ગયો છતાં હું;
આ શહેરમાં ગયો જ્યાં, નજરે ચઢ્યાં મકાનો.

ફરિયાદ, રોદણા ને ગુસ્સો લખ્યાં ગઝલમાં;
આ રાત વીતી ગઈ છે, આવે દિવસ મજાનો.

હું સવાયો છું ગઝલમાં

સરસ રીતે, જુદી રીતે, કોતરાયો છું ગઝલમાં;
છું તેનાથી વધારે હું સવાયો છું ગઝલમાં.

પ્રયત્નો ના કરે ખોટાં, જમાનો શોધવાના;
હું થોડો નહિ, હું તો આખો સમાયો છું ગઝલમાં!

હું તો નીરસ છું, એ કહે છે, મળે છે જેટલાને;
હું મહેફિલો મહીં સાકી, પીવાયો છું ગઝલમાં.

હતો, હોઇશ હું, હંમેશા, એ જાણી લો હરીફો;
હું મૃત્યુથી સરસ રીતે સચવાયો છું ગઝલમાં.

એ છે તલવાર શબ્દોની, અર્થોની ધાર એને;
છતાં ખુલ્લી કરી છાતી, ઘવાયો છું ગઝલમાં!

સનમને એટલે લાગી, ગઝલ મારી નઠારી;
બધાનો થઈ ગયો, હું ક્યાં પરાયો છું ગઝલમાં?

સાકીઃદારૂ પીરસનાર; bartender.
નઠારું:ખરાબ;ગંદું.

 

તો શું કરું

કોઈ જો માંગે દિલ, તો શું કરું, આપું ને?
માંગે છે થોડું એ, આપી દઉં આખું ને?

કોણ રોકી શકે, આ સમયને, છતાં;
જ્યારે મળું એને હું, શું કરે, જાદૂ ને?

જિંદગી જીવતા શીખવાડી છે તેં,
માંગ બદલામાં કશું, અંગુઠો કાપુ ને?

આજ હું મંદિરે તો ગયો’તો, છતાં;
માગ્યું નહિ મેં કશું, બોલે તો માંગુ ને?

આયનાને મેં તો આજ કહી દીધું કે;
જે વિચારે તું, એવો જ હું લાગું ને?

શબ્દએ કીધું કે, કેદ ના કર મને;
કાગળોમાં નહિ, બ્લોગમાં છાપુ ને?

કરું શું

રાત પૂરી થાય, સૂરજ નીકળે નહિ, તો હું શું કરું;
તોય સપનાના બે દીવા સળગે નહિ, તો હું શું કરું.

ગણિત કાગળ પર કરું તો, સાવ સહેલું એ પડે, પણ-
આંકડા ચહેરા ઉપરના આવડે નહિ, તો હું શું કરું?

એક ઘર છું હું ધબકતું, ગામના બીજા ઘરો જેવું;
તોય અંદર વાસણો જો ખખડે નહિ, તો હું શું કરું.

તારલા તૈયાર રહે છે, બસ, ખરી પડવા ધરા પર;
પણ તું તારી એક ચાદર પાથરે નહિ, તો હું શું કરું.

આ દિવસના શોરમાં તો કોણ આપે ધ્યાન મુજને;
રાતમાં પણ ચીસ દુ:ખની સાંભળે નહિ, તો હું શું કરું!

કરું શું, મોક્ષ ને સમાધિ, એક પળની જ્યાં ખબર નહિ;
અંત આવી જાય, આંખો ઉઘડે નહિ, તો હું શું કરું?

તું હસે એ

પ્રેમમાં તારા, અનોખી તાજગી છે, તું હસે એ.
એ શું છે, શૃંગાર છે કે સાદગી છે, તું હસે એ.

આ જુવાની છોને ચાલી, કોઇની ના લઉં મદદ હું;
એ જ તો ઘડપણની મારા, લાકડી છે, તું હસે એ.

બાગમાં ભમરા ઉડે છે, હા, વસંત આવી છે વહેલી;
ખીલી જે ગઇ, ફૂલની એ પાંખડી છે, તું હસે એ.

દર્દનો દુષ્કાળ સઘળે, ટીપું પણ આશાનું દોહ્યલું;
એવા રણમાં એ વરસતી વાદળી છે, તું હસે એ.

રાંક છું, ખાલી છું પૂરો, ના મળે જાગીર, દોલત;
તોય લાગે, આખી દુનિયા આપણી છે, તું હસે એ.

આમ સોનામાં ભળી છે, એવી તો સુગંધ જુઓ;
બોલે છે ગુજરાતી, આ પણ ગામઠી છેઃ તું હસે એ.