વારે વારે આ પડી જવું

યાદ આવે છે જે કિસ્સો, એ તો પળભર હોય છે;
જિંદગીભર થાય એની એવી કળતર હોય છે.

બાળને માંબાપ આપે, એ જ ઘડતર હોય છે;
બાકી આ ભણવાનું આજનું ખાક ભણતર હોય છે?

આવે રડું તો જાઉં ડૂબી, આજ સમંદર મહીં;
ભીતરે જે તરફડે એ પ્રાણી જળચર હોય છે.

રાતદિન વૈતરું કરીને રોકડા ભેગા કર્યા;
આખું ખર્ચી નાખ્યું જીવન, એનું વળતર હોય છે.

મહેલ બનતો જાય ઊંચો, મારા સપનાનો પછી;
વારે વારે આ પડી જવું, એ જ ચણતર હોય છે!

આવા દર્દો બસ મળી રહે, તો નથી વાંધો મને;
જ્યારે લખું આવી ગઝલ તો, ઘરમાં અવસર હોય છે!

સદીઓથી ચાલી આવતો કવિતાનો આ પ્રકાર ‘ગઝલ’ હવે ફક્ત પ્રેમ અને શૃંગારની વાતો નથી કરતો. સાંપ્રત સમાજની મુશ્કેલીઓ અને તેના આમ આદમીની વાતો પણ હવે કરે છે. આ ગઝલના છ શેરમાંથી બેમાં આમ વાત કરીને સંતોષ માન્યો છે.

અર્થ હોવાના નવા

ભલે મિત્રો છે જૂના પણ, દર્દ રહેવાના નવા;
મળે શબ્દો બધા સરખા, અર્થ હોવાના નવા.

નદી જૂની, જૂની નૌકા, જૂના પર્વત ને સૂરજ;
છે તો આ ચિત્ર જૂનું પણ, રંગ પૂરવાના નવા.

ઘણો જોયો બગીચો આ, તારું બહાનું કેવું છે?
વસંત આવી, હવે જોજે, ફૂલ ઉગવાના નવા.

બધા દેખાય છે સરખાં, જેટલાં છે ઝાંઝવાં;
કરી દો પાર એ સીમા, દેશ મળવાના નવા.

છે તો સરનામું આ જૂનું, તોય છેકી ના શકું;
હૃદયની ડાયરીમાં તો નામ ભૂંસવાના નવા!

જાગ્યા ત્યાંથી સવાર + ધીરજના ફળ મીઠાં = જેવું કરો તેવું પામો.

તમને ખબર છે?

પારખી ગયો હું, શું તમને ખબર છે?
ભટકી ગયો હું, શું તમને ખબર છે?

વાત ફૂલ કરતું, એની મહેક સાથે;
સાંભળી ગયો હું, શું તમને ખબર છે?

મોતરૂપી રેખા ભૂંસાવી જનમને;
ઉંચકી ગયો હું, શું તમને ખબર છે?

જાત સાથે જ્યારે કરી વાત બે ત્રણ;
બગડી ગયો હું, શું તમને ખબર છે?

સાથ ઝાંઝવા ને વિરહ રણ સરીખો;
પલળી ગયો હું, શું તમને ખબર છે?

લાગણીને મારી, ગઝલના બહાને;
છેતરી ગયો હું, શું તમને ખબર છે?

 

મોતની લક્ષ્મણરેખા (મોતથી લાગતો ડર) ઓળંગીને જીવનને ઉંચકી જવું(વટથી જીવવું), અને ખબર તો છે જ કે મોત તો આવવાનું જ છે (સીતાને છોડાવવા રામ). લાગણીને શબ્દનું સ્વરૂપ આપવામાં ઘણો પરિશ્રમ કરવો પડે. પણ ગઝલના બહાને એ શક્ય થઇ શક્યું.

આ યાદો

એ આંખોને પીગાળી દે, આ યાદો પણ ખરી છે;
પછી એને થીજાવી દે, આ યાદો પણ ખરી છે.

હૃદયની પાસે ના રાખો, હૃદયથી દૂર સારી;
એ તો અડ્ડો જમાવીદે, આ યાદો પણ ખરી છે.

ભલે ડૂબી ગયો એમાં, એ ડૂબાડી દે છે, પણ;
એ ભવસાગર તરાવી દે, આ યાદો પણ ખરી છે!

પ્રથમ તો એકલો લાગું, બધાને બહારથી હું;
ને અંદર ધૂમ મચાવીદે, આ યાદો પણ ખરી છે.

ઉમેરી દઉં બધા સગપણ, પછી ઓછાં કરી દઉં;
એ છેદ જ ઉડાવીદે, આ યાદો પણ ખરી છે!

મને દેવાંગ આશા છે, જમાનો યાદ રાખે;
એ તો હસ્તી મીટાવીદે, આ યાદો પણ ખરી છે.

છાતીમાં ચિત્ર

આંખ ખુલતાં બધાં મિત્ર પણ નીકળે,
કોઇનું છાતીમાં ચિત્ર પણ નીકળે!


બાગમાં ફૂલ ને ઓસ ફક્ત ન મળે;
કંટકો જેવું ત્યાં વિચિત્ર પણ નીકળે.


કેદમાં દીલને નિત્ય રહેવું પડે;
તેથી આંખો સમાં છિદ્ર પણ નીકળે.


જોઇને ચાલજો તેમની આ ગલી;
કોઇ અટવાય, કો’ શીઘ્ર પણ નીકળે.


કોનો આધાર છે,  એ જ આધારને;
હોય નાસ્તિક એ, વિપ્ર પણ નીકળે.


ઓળખે નહિ મને, કોઇ મહેફિલ મહીં;
ને તમારું જ ત્યાં જીક્ર પણ નીકળે!


વિપ્રઃબ્રાહ્મણ, ઋષિ, મુનિ.

હનુમાનજીને યાદ કરતાં પ્રથમ શેર રચાઇ ગયો, અને પછીની story ઉપર લખ્યા મુજબની છે.
મોટે ભાગે એવું નથી બનતું કે ત્રીજી વ્યક્તીની વાત નીકળે ને બે માણસો ભેગા થાય વાતો કરવા!
આમ જોવા જઈએ તો બધા જ એકબીજાને જાણે છે! જાણે કે ભગવાને રચેલું facebook.com

કારણ વગર

કશુંય બનતું નથી, કારણ વગર;
હું ક્યાં પાગલ થયો ડહાપણ વગર.


અરીસો છેવટે, દીધો ધરી;
નથી પડતું આંસુ પાંપણ વગર.


સડકની બાજુમાં રોપી છે એ;
આ તુલસી ઘર વગર, આંગણ વગર.


તપે, તૂટે, બળે પ્રેમી હૃદય;
બને નહિ વાનગી આધણ વગર.


ખૂંદી વળું કેમનું આ મનનું વન;
જે છે, ઇચ્છારૂપી ડાકણ વગર.


ગઝલ પૂરી કરી, હલકો થયો;
બધા જીવે છે ક્યાં, ભારણ વગર?
આધણઃધાન્ય બાફવા માટે ઉકાળવા મૂકેલું પાણી.