કારણ વગર

કશુંય બનતું નથી, કારણ વગર;
હું ક્યાં પાગલ થયો ડહાપણ વગર.


અરીસો છેવટે, દીધો ધરી;
નથી પડતું આંસુ પાંપણ વગર.


સડકની બાજુમાં રોપી છે એ;
આ તુલસી ઘર વગર, આંગણ વગર.


તપે, તૂટે, બળે પ્રેમી હૃદય;
બને નહિ વાનગી આધણ વગર.


ખૂંદી વળું કેમનું આ મનનું વન;
જે છે, ઇચ્છારૂપી ડાકણ વગર.


ગઝલ પૂરી કરી, હલકો થયો;
બધા જીવે છે ક્યાં, ભારણ વગર?
આધણઃધાન્ય બાફવા માટે ઉકાળવા મૂકેલું પાણી.

નાતની બહાર થઈ ગયો

નામ લીધું તારું તો, પ્રેમનો પ્રચાર થઈ ગયો!
એકલો એવો થયો, નાતની બહાર થઈ ગયો.


હા, બધા દર્દો મટ્યા, દિલનો ઉપચાર થઈ ગયો;
જ્યારથી તારો મને એક દિદાર થઈ ગયો!


જાણે રાજા થઈ ગયો, ત્યારથી સરદાર થઈ ગયો;
સાથ તારો શું મળ્યો, જ્યાં ગયો દરબાર થઈ ગયો!


ના જુદાઈ થઈ સહન, ને સમય લાચાર થઈ ગયો;
જીવવાનો ત્યારથી, એય એક પ્રકાર થઈ ગયો.


યાદ આવતું નથી કે ક્યારથી બસ પ્યાર થઈ ગયો;
હું બન્યો દર્શક પછી, હું જ સમાચાર થઈ ગયો!


દિલનો હિસાબ તો એટલો ઉધાર થઈ ગયો;
પ્રેમમાં દિમાગનો તો હું દેવાદાર થઈ ગયો!

કદી કોઇએ

કદી કોઇએ આ કરેલું નથી લાગતું;
ભૂલી જવું તને એ સહેલું નથી લાગતું.

કર્યો પ્રેમ મેં પણ, કહી શકું હું ગર્વથી.
એ કરતા પહેલાં વિચારેલું નથી લાગતું.

પહેલાં દિવસથી મને આવડી ગયું છે;
ફના થઇ જવું એ શીખેલું નથી લાગતું!

અજબ હાલ જૂઓ, થયા બંદગીમાં છે;
અહીં મારું મસ્તક ઝૂકેલું નથી લાગતું!

તને પામું કે નહી, એ વાતો પછીની છે;
તને ચાહવાનું છોડેલું નથી લાગતું.

પવન છે, સૂરજ છે, ધરા છે, ગગન પણ છે.
આ છે તારું ચિત્ર, દોરેલું નથી લાગતું!


કેમ ભૂલું

ખૂલે છે રોજ આંખો, એ સવારો કેમ ભૂલું;
બતાવી દે છે રસ્તો, એ ઇશારો કેમ ભૂલું?

તને હું બેફિકર લાગું, ખબર છે દોસ્ત મારા;
છે નક્કી, કે અહીંથી છું જનારો, કેમ ભૂલું?

મને મંજૂર છે માળી, ફૂલો ખીલે કે કાંટા;
પડ્યો છે જિંદગી સાથે પનારો, કેમ ભૂલું?

પછી લાગ્યાં મને ગમવા, સમયના ઘૂંટ કડવા;
થતો રહે જો સતત તેમાં વધારો, કેમ ભૂલું?

લખ્યાં છે નામ રેતી પર, ભૂંસી દઉં સઘળાં જ્યારે;
ને આવી જાય ત્યારે જ વિચારો, કેમ ભૂલું?

નદી તો પણ સમંદરને મળી ગઇ એમ અંતે;
કશુંક તો છે જે લાગે છે સહારો, કેમ ભૂલું?

કુદરત, નસીબ, ઇશ્વર, ખુદા, મહેનત. દરેક માણસે આની વ્યાખ્યા બદલાતી રહે છે.

હું

ના કર્યો મેં પ્યાર મારી જાતને;
ગણું છું કસૂરવાર મારી જાતને.

થઈને આવ્યો એમ, ઈચ્છ્યો જેમ તેં;
ના મળ્યો આકાર મારી જાતને!

દુશ્મનો પણ આવે, મુજ દુકાન પર!
ફાવે નહિ વેપાર મારી જાતને.

ઓળખી ના શકું હું તુજને, એવું કર;
હા, પછી કર વાર મારી જાતને!

ભરબજારે મળજે, મળવું હોય તો;
કે નથી ઘરબાર મારી જાતને!

ના કરો કશું એને, જો ચાહવું નથી;
કેમ કરું વ્યવહાર મારી જાતને?
‘અહ્ં બ્રહ્માસ્મિ’ જે વેદોમાં કહેવાયું છે, જે આપણે સૌથી વધારે ignore કરીએ છીએ.

સદીઓ વીતી

સદીઓ વીતી આદમ પણ વખત શું છે?
હું આગળ રહું બધાથી એ શરત શું છે?

અહીં આતંકવાદી છે છુપાયેલો,
શું પાકિસ્તાન છે દોસ્તો, ભારત શું છે?

હથેળીમાં ને મુઠ્ઠીમાં ફરક શાનો?
મહુરત શું છે બ્રાહ્મણ ને હાલત શું છે?

કરે છે કોણ નક્કી આ, ખબર ક્યાં છે;
શું છે સાચું ભલા માણસ, ગલત શું છે?

હું સમજું પ્રેમને, જ્યારે મળે ઉત્તર;
શું છે મારું ઝનૂન, તારી આદત શું છે?

શિખર સર કર્યું છતાં, લાગી મને ઠોકર;
શું છે પથ્થર અમસ્તો ને પર્વત શું છે?

બહુ જ બધા પ્રશ્નો પૂછી નાખ્યાં મેં. પણ આ જાહેર પ્રશ્નો છે, અંગત નથી.
ગુજરાત સમાચાર ન્યુઝપેપરના કૉલમીસ્ટ જય વસાવડાની રસપ્રદ કૉલમ સ્પ્રેક્ટોમીટરના
તા. 5/22/2011 ના અંકમાંથી સાભાર પ્રેરણા.