જ્યાં લગી

એથી મને તારી ઘણી જરૂર રહેવાની;
તું જ્યાં લગી મારાથી બહુ દૂર દૂર રહેવાની.

તારો જ દસ્તાવેજ છે, વીતાવું છું જે પળ;
તું જ્યાં કરાવી દે સહીં, મંજૂર રહેવાની!

અખંડ દીવો આશનો, અખંડ ધૂન તારી;
તું રોજ મનમંદીરમાં હાજરાહજૂર રહેવાની!

છે હાલ બૂરાં બેઉંના, તારા વગર જ સ્તો.
લાચાર મૃત્યુ, જિંદગી મજબૂર રહેવાની.

ના બીડશો મારાં નયન, મિત્રો તમે અંતે;
આતુર હતી મારી નજર, આતુર રહેવાની.

જુદાઈની આદત પડી તો ના રહી પીડા;
મિલાપમાં સઘળી મજા બહુ ક્રુર રહેવાની!

જુદાઈમાં જે મજા છે એ મીલનમાં કદાચ ન પણ મળે.

my PC

તારું હસવું ડેસ્કટોપ પર ટ્રુ કલર જેવું લાગે;
વિશ્વ માઈક્રોસોફ્ટ દીસે ને એપલ જેવું લાગે!

ત્રીશ અક્ષર બોલતાં તો ચૂપ થઈ જવું અમારું;
કામ દીલોનું હવેથી ટ્વીટર જેવું લાગે!

આંખ તારી થાય ભીની, તો રડાવે મને પણ;
આંસુ તારું કોઈ ચેપી વાયરસ જેવું લાગે!

થાય ડેટાબેઝ મોટો, દિન બ દિન જિંદગીનો;
મળવું આપણું ચાર પળ એ ઓરેકલ જેવું લાગે!

પ્રાર્થનાની રૅમ ઓછી થઈ છે ક્લાયંટ શાથી?
રામ! કરું શું, મારી ભીતર સર્વર જેવું લાગે!

પ્રશ્ન કોઈ થાય એની રાહ દેવાંગ દેખું છું;
પાસે છે એડ્રેસ તારું, એ ગુગલ જેવું લાગે!

my first gujlish (gujarati + english) Gazal posted here!
Honestly I don’t know what to comment.
જો ચારેય બાજુ computer અને internet નો મહિમા ગવાતો હોય તો ગઝલની વાત એનાથી
કરવામાં ગઝલને કંઈ નુક્શાન નહિ થાય એવું માનું છું.

 

જાણતા જાણતા

ક્યાં હું પહોંચી ગયો ચાલતા ચાલતા?
થઇ ગયો દૂર હું આવતા આવતા!

જિંદગીના બધા પાઠ શીખી ગયો;
યાદ ના આવે કઈં જાણતા જાણતા!

આંખ ગઈ પીગળી, એક પળમાં જૂઓ;
આંખ લઈ લે વખત જામતા જામતા.

વિશ્વ મારું છે આ, આ જ છે જિંદગી;
એમ થયું બારીમાં દેખતાં દેખતાં.

થઈ ગયો એટલે ખુદને ધુત્કારતો;
દીલનું કહ્યું બધું માનતા માનતા.

થાક લાગ્યો નથી જિંદગીથી છતાં;
આંખ મીંચાશે બસ જાગતા જાગતા!

 

થયો રસ્તો છે ત્યાં

પ્યાર મુહોબતની વાતો હવે સમજાય છે;
ના વધ્યો આગળ જે નાતો, હવે સમજાય છે.

એ છે જગજાહેર પીડા, ના પાડે કોઈ જો;
હા હતી તેની, એ હા તો હવે સમજાય છે!

યાદ કોઈ સળવળી ને, સૂરજ ઢળતો ગયો.
રંગ રાતોનો છે રાતો, હવે સમજાય છે!

એ જ ઉન્માદો ઉછળશે, દબાવી રાખું જે;
સાગર સાગરમાં ના માતો, હવે સમજાય છે!

પથ્થરો ઉખડી ગયા છે, થયો રસ્તો છે ત્યાં;
ઠોકરો જ્યાં જ્યાં હું ખાતો, હવે સમજાય છે.

શ્રી ગણેશાય નમઃ કરું, શરૂ કરતાં ગઝલ.
દેવના ગુણ એમ ગાતો, હવે સમજાય છે.

મોટા ભાગે આપણે સમજતા હોવા છતાં સમજતા નથી. કારણ કે અમુક કામ આપણને કરવું હોય છે
કે કરવું પડે એમ હોય છે. કામનું પરિણામ આવી ગયા પછી તેની વ્યાખ્યા કરવી આપણને બહુ ગમે છે. નવું વર્ષ નજીકમાં જ છે. જેટલી ભૂલો કરીશું એટલા વધારે સારા રસ્તા બનશે!

 

તું આવું કર

તું આવું કર, ફસાવી તો જા;
પછી પાછું મનાવી તો જા.

ભલે રહેતો હું, દૂર આકાશે;
જરા ઉંચે ચગાવી તો જા.

સૂરજ મારા, હસી પડને તું;
ભલે, ગ્રહણ લગાવી તો જા.

ન આવે કઇં જો મારા ભાગે;
છતાં તારો પડાવી તો જા!

ધખાવી છે, ધૂણી તારી જ;
તું આવીને તપાવી તો જા.

હું શોધું છું, બધામાં તુજને;
બધાને તું બતાવી તો જા.

ઇંતેજાર છે કોઇનો, તે પણ આવીને પાછા જતા રહેવાની વિનંતી સાથે!
જો એ વ્યક્તિ મળી જાય તો બધું જ મળી જાય. પણ પછી જીવવામાં મજા ન રહે.
કશુંક તો ખૂટતું રહેવું જોઇએ.

 

તક

આટલા સમયે તને જાણવાની તક મળી છે;
સાંકળોમાંથી મને છૂટવાની તક મળી છે.

તો બધાની ભીતરે એ વહે ગંગા તરીકે;
આંસુંથી આ હાથ ધોવાની તક મળી છે!

ફાયદો છે, હાથમાં બોટલોને રાખવાનો;
એમ પીવાની ને પીવડાવવાની તક મળી છે.

રાગમાં બેસાડું છું, સઘળા શબ્દોને હવેથી;
મારી ફરિયાદોને ગાઇ લેવાની તક મળી છે.

મકાન ચણવામાંથી નવરો નથી પડતો હું, દોસ્ત;
ને મને ઘર પાછું વસાવવાની તક મળી છે.

રોજ ઇચ્છાને ભજું, દિલના મંદીરમાં હું;
આજ તૃપ્તિનો દીવો ત્યાં કરવાની તક મળી છે.

તક મળે છે ક્યાં? મોટા ભાગની તો બનાવવી પડે છે! એ બનાવ્યા પછી પણ એક પ્રશ્ન તો રહે જ છે.
એનો પૂરો ઉપયોગ કેવી રીતે કરવો?