હમણાંથી વધે છે એકલાપણું

કેમ હમણાંથી વધે છે એકલાપણું?
એવું લાગે છે, સદે છે એકલાપણું!

વેડફ્યા પૈશા જૂઓ, સંબંધ માટે;
કેટલું સસ્તું મળે છે એકલાપણું.

શોધતો’તો કેમ એને આજુબાજુ?
મારી ભીતરથી જડે છે એકલાપણું.

હોય છે એમાં શું છૂપું, સિવાય પાણી;
આજ વર્ષામાં પડે છે એકલાપણું.

જાત સાથે બોલું, તો વાંધો શું તમને;
કે મને એટલું ગમે છે એકલાપણું.

શોક શાનો થાય છે મિલાપ વખતે?
એવું ક્યાં છે, કે છળે છે એકલાપણું?

ફેર એને શું, એ રહે દૂર કે સમીપે;
માનવી, કે જે કળે છે એકલાપણું.

Paul Tillich : Language… has created the word “loneliness” to express the pain of being alone. And it has created the word “solitude” to express the glory of being alone…

 

તું છે તો છે

બધી ચીજો, તું છે, તો છે; ગઝલ-ગીતો, તું છે, તો છે.
લડી લઉં છું લડાઇ આ, હાર-જીતો, તું છે, તો છે.

બધાને છે ખબર ક્યાં છું, બધા જાણે છે ક્યાં રહું છું;
કે રસ્તો એક મારો ખૂબ છે માનીતો, તું છે, તો છે.

છો ઈંટ પર ઈંટ મૂકતો રહે, દીવાલો પર જમાનો આ;
રિવાજો તૂટતા રહેશે, ઉંચી ભીંતો, તું છે, તો છે.

અલગ છે, તરંગી છે, દીવાનો છે, છે બેફિકર;
થયો છે એક માણસ એમ જાણીતો, તું છે, તો છે.

પલાળું છું ક્ષણોને સૌ, નયનમાં તારા હમણાંથી;
ચઢ્યો હું પણ લતે એની, થયો પીતો, તું છે, તો છે.

શું થયું ઝાકળનું જે હતું ત્યાં, ગયું એ પુષ્પ પરથી ક્યાં;
નથી પિછાણી શકતા મુજ પરિચિતો, તું છે, તો છે!

આખરે આ ‘તું’ છે કોણ? સાચો પ્રેમ કરવો એ હિંદી romantic movies કરતાં પણ ઘણો અઘરો છે. થઇ જતાં વાર પણ નથી લાગતી, જેમ ઝાકળને ફૂલની પાંદળી પર ઓગળતાં વાર નથી લાગતી! જ્યારે તમે એમ ઓગળી જશો તો તમારા ઓળખીતાઓ પણ તમને શોધી નહીં શકે, ઓળખી નહીં શકે!

 

સુખ

થોડું થોડું રાખવામાં મજા છે;
જે વધે એ ફેંકવામાં મજા છે.

આમ જૂઓ તો બધે છે ખુશીઓ;
બધું હસી જ નાખવામાં મજા છે.

તોય જીવી ગઇ છે ઇચ્છા અમારી;
બાળવામાં, દાટવામાં મજા છે.

આંસુ મીઠાં, સાથ મીઠો, ને વાતો;
યાદ એને કરવામાં મજા છે.

ઋતુઓની બીક ત્યારે રહી નહી;
પાંદડું થઈ ઝૂલવામાં મજા છે.

મજબૂતી છે આવનારી એનાથી;
આ હૃદય પણ તૂટવામાં મજા છે!

કોઇ ચહેરો જાશે ઉપસી, તું જોજે;
પથ્થરોને તોડવામાં મજા છે.

થોડું મીઠું હોય એમાં, એ સારું;
હોઠ ભીનાં ચાખવામાં મજા છે!

life એ walmart ની product નથી કે એમાં satisfaction guaranteed હોય. દુઃખને કેટલું મોટું બનાવવું એ આપણા પર નિર્ભર કરે છે. દુઃખના પથ્થરો હટાવી તો નહી શકાય પણ તોડી જરૂર શકાશે. એને તોડતાં તોડતાં એક દિવસ એમાં કોઇનો ચહેરો નજર આવી જાય તો નવાઇ નહી!

 

નવરાત્રી

એવું લાગે, આજનો રાસ રમું છું;
બહુ જૂનો નટરાજનો રાસ રમું છું!

નાદ તો પણ સંભળાયા કરે છે;
મૌનના અવાજનો રાસ રમું છું.

આમ શાથી મોતની રાહ જોવી?
જિંદગીની લાજનો રાસ રમું છું.

થઇ ગયું બ્રહ્માંડ સામેલ, જૂઓ;
ફક્ત મારા કાજનો રાસ રમું છું.

આ ગઝલ છે, કાફિયા છે, રદીફ છે.
એમ મારા સાજનો રાસ રમું છું.

એક જંગલ આખું ઉગ્યું છે અંદર;
આપણા સમાજનો રાસ રમું છું.

બંદગીમાં માગણીઓ રહી નહીં;
નાચતી નમાજનો રાસ રમું છું!

આભ ખુલ્લું તોય છે ભેદ એમાં;
કોઇ આવા રાજનો રાસ રમું છું.

કાંઇ નવું ક્યાં છે, હું દેવાંગ કરું જે;
કોઇ મુજ જેવા જ નો રાસ રમું છું.

કાફિયા=ગઝલનો પ્રાસ. ગઝલના શેરનો શબ્દ જે અવાજમાં બીજા શેરના છેલ્લા શબ્દ સાથે મળતો હોય તે.
રદીફ=ગઝલમાં દરેક શેરની પાછળ વારંવાર આવતો શબ્દ કે શબ્દો.
સાજ=સંગીતનો દરેક સામાન.
રાજ=રહસ્ય.

 

ગઝલનું ગામ

લાગણીને પી જઇ ક્યાં ભાનમાં રહું છું?
સાવ સાચું, ગઝલના ગામમાં રહું છું.

મોતને શું ખબર કે ક્યાં હું છુપાયો?
કોઇની જાન છે, એ જાનમાં રહું છું.

વાળ મુઠ્ઠી ભલે, પકડી શકે નહી તું;
આ પવન જે છે, એના વાનમાં રહું છું!

સંભળાવું તને વાતો યુગોની હું;
આમ તો વ્યસ્ત હું બહુ કામમાં રહું છું.

હોય ઉંડા સદા, જે શાંત પાણી છે;
પણ તળિયે જૂઓ, બહુ તાનમાં રહું છું!

આભમાં છે જગ્યા મારી, તું જાણે છે;
પણ અહીંયાં સૂરજના માનમાં રહું છું!

 

રંગમંચ

આખું જગત રંગમંચથી વધારે કઇં નથી;
સંવાદ સૌ આક્રંદથી વધારે કઇં નથી!

શું વાત કરું સ્પર્ષ વિશે એ વ્યક્તિના, જેની;
યાદોં જ સર્પદંશથી વધારે કઇં નથી!

નક્શા વગર કાંઠો મળી ગયો, પણ છે શું એ?
જે વાય એ તરંગથી વધારે કઇં નથી.

થઇ જાય પૂરો જામ તો હ્રદય ચિંતા ન કર;
આ અંત તો પ્રારંભથી વધારે કઇં નથી.

સર્જન થકી ખુશી ખુદા બનાવી ગઇ મને.
જે છે, ગઝલ ને છંદથી વધારે કઇં નથી.

છોડ્યો તને મેં એટલે, તને વધુ જાણવા;
સત્સંગ આ સત્સંગથી વધારે કઇં નથી!