આત્મચરિત્ર

મને ભૂલી જવાની ટેવ છે;
એ રીતે જીવવાની ટેવ છે.

ચલાવી લઉં છું આંખોથી બધે;
મને ઓછું હસવાની ટેવ છે.

અલગ રીતિ રીવાજો છે મારા;
મને ક્યાં પૂછવાની ટેવ છે?

આ પૈશાદારને કોઇ ઠગે?
મને ખુદને લૂંટવાની ટેવ છે!

નથી સંગાથ મળતો એટલે;
મને ઘણું દોડવાની ટેવ છે.

મને નિષ્ફળ જમાનો માને છે;
મને થોડું લખવાની ટેવ છે.

આ પરપોટો સમયનો છો ફૂટે;
મને બધું અડકવાની ટેવ છે.

 

અજવાળું

આંખ મીચીં તો અજવાળા થઇ ગયા!
શ્વાસ લીધાં, શ્વાસ કાળા થઇ ગયા!

પ્રેમ નામે એક સાગર આથડ્યો;
હાથ બોળ્યાં તો પરવાળા થઇ ગયા!

મેં તફાવત બહુ કર્યા બોલીને ‘તું’;
‘હું’ કહ્યું ત્યારે સરવાળા થઇ ગયા.

સાવ કોરાં કેમ લાગ્યાં આ નયન?
આંસુથી સપનાં હુંફાળા થઇ ગયા.

જોઇતી ન્હોતી દવા એ દર્દની;
લ્યો, મલમના રોગચાળા થઇ ગયા!

ઠેસનો ડર લાગે, ઘર પણ દૂર છે;
તોય રાહી સહુ પગપાળા થઇ ગયા.

કદરૂપો લાગી રહ્યો’તો આયનો
પેન પકડી તો રૂપાળા થઇ ગયા

 

રસ્તો

દૂર દૂરથી ચાલતો આવ્યો છું,
રાતથી બસ ભાગતો આવ્યો છું!

ખેલ કુદરતનો, કરમના લેખ;
એમ હું પણ નાચતો આવ્યો છું.

ભીડમાંથી થઇ ગયો જુદો હું,
તેથી પાગલ લાગતો આવ્યો છું.

હુંય કરું છું પ્રેમ, ઇચ્છા, આશા;
સાપને દૂધ પાવતો આવ્યો છું!

ક્યાં જવાનું, ત્યાં જવું શું કામ;
વાતને હુંય ટાળતો આવ્યો છું.

જાણ્યું કે મુઠ્ઠી હતી વાળેલી;
ને સદા હું માગતો આવ્યો છું!

 

સંસાર

સંસાર છે, ચાલ્યા કરે;
વ્યાપાર છે, ચાલ્યા કરે.

ચોંટતું નથી મન ક્યાંય પણ;
નિરાકાર છે, ચાલ્યા કરે.

ખાઇ તો લીધું તીર, પણ;
આરપાર છે, ચાલ્યા કરે.

બોલવું પડે, નાચવું પડે;
બજાર છે, ચાલ્યા કરે.

હલ એક થઇ મુશ્કેલી, પણ;
પારાવાર છે, ચાલ્યા કરે.

જલસા કરો હર એક પળ;
લગાર છે, ચાલ્યા કરે.

સાચવ તું ટુકડા કાચના;
એતબાર છે, ચાલ્યા કરે.

એતબાર=વિશ્વાસ

 

બળે જે આંખમાં

હૃદયના ઉભરા તો જ્યારે જલદ હોય,
બળે જે આંખમાં, એ બધું સુખદ હોય.

દીવાનો લાગું છું, શું વાંક છે મારો?
જમીં હો હાથમાં, પગમાં ફલક હોય!

ન કાઢો આંખ, પણ મીચીં જૂઓ થોડી;
બે આંખોનીય જેને ના શરમ હોય.

મને વાંધો નથી, વટલાઇ જાઉં તો;
જો સુંદર હોવું એ તારો ધરમ હોય!

એ તો સામાન્ય છે, ભૂલી પડે નૌકા.
આ દરિયામાં તો ક્યાંથી કોઇ સડક હોય?

પૂછી લઉં, કેમ છો? જેને મળું સામે;
જરુરી ક્યાં છે કે એમાં ગરજ હોય.

ફલક=આકાશ

 

ફરીથી

ઓ હૃદય, દાદરા ચઢીએ ફરીથી,
ચાલને, પ્રેમમાં પડીએ ફરીથી.

એટલે આંસુને નથી રોકતો હું,
આંગળી ધર, ગઝલ લખીએ ફરીથી!

એ મજા ના મળી, મળી’તી જે પહેલાં.
બાળપણ જેવું ઘર રમીએ ફરીથી.

સાથ તારો મળ્યો, છતાં ખૂટ્યું ત્યાં કશું;
યાર, થઇને છૂટા, મળીએ ફરીથી!

વાતે વાતે મને, પળે પળ સતાવે.
લાડલી યાદને વઢીએ ફરીથી!

જેનું કારણ તને નથી મળ્યું હજુય,
ચાહવાની એ ભૂલ કરીએ ફરીથી.