મહાભારત

મેં શબ્દરૂપી કૌરવો જોયાં કુરુક્ષેત્રે,
લડતાં ગઝલના પાંડવો જોયાં કુરુક્ષેત્રે.

જો બાગમાંથી પુષ્પરજ ભમરાએ ફેલાવી,
તો ફૂલના લડતાં કર્ણો જોયાં કુરુક્ષેત્રે.

આખા જગતને છે ખબર, સાચું શું, ખોટું શું;
યુદ્ધે જતાં પિતામહો જોયાં કુરુક્ષેત્રે.

મોટાં સિતારા જોઈને થંભી ગયો સૂરજ,
ઉપદેશતાં રથચાલકો જોયાં કુરુક્ષેત્રે.

વંટોળમાં માથું છુપાવી દીધું રેતીમાં,
બધું દેખી લેતાં સંજયો જોયાં કુરુક્ષેત્રે.

જ્યાં લગી

એથી મને તારી ઘણી જરૂર રહેવાની;
તું જ્યાં લગી મારાથી બહુ દૂર દૂર રહેવાની.

તારો જ દસ્તાવેજ છે, વીતાવું છું જે પળ;
તું જ્યાં કરાવી દે સહીં, મંજૂર રહેવાની!

અખંડ દીવો આશનો, અખંડ ધૂન તારી;
તું રોજ મનમંદીરમાં હાજરાહજૂર રહેવાની!

છે હાલ બૂરાં બેઉંના, તારા વગર જ સ્તો.
લાચાર મૃત્યુ, જિંદગી મજબૂર રહેવાની.

ના બીડશો મારાં નયન, મિત્રો તમે અંતે;
આતુર હતી મારી નજર, આતુર રહેવાની.

જુદાઈની આદત પડી તો ના રહી પીડા;
મિલાપમાં સઘળી મજા બહુ ક્રુર રહેવાની!

જુદાઈમાં જે મજા છે એ મીલનમાં કદાચ ન પણ મળે.