બસ ઇનફ?

જ્યાં ગયો હું, લાગ્યું પ્રિઝન, બસ ઇનફ;
હેલ આ છે, આ જ હેવન, બસ ઇનફ.

કોઈને ચાહવું, છતાં અગ્રી ના થવું;
લવમાં પણ થ્રી ને ટુ ને વન, બસ ઇનફ.

ત્યારે પથ્થર હું થયો, જ્યારે થયાં-
આંસુ ખુદના જ પૉઇઝન, બસ ઇનફ.

શીખ લાઇફ મારી, એમાંથી જરા;
ડેથ જ્યારે પણ કરે ફન, બસ ઇનફ.

કેટલા સૂરજ હું બાળું ભીતરે,
મેમરી રહે તોય ફ્રોઝન્, બસ ઇનફ.

હું ચલાવું એ, કે ફોડે ખુદ સમય;
એની એ. કે. ફોર્ટી સેવન, બસ ઇનફ.

ફૂલ મહેકે, પંખી ચહકે બાગમાં;
એનું માણસ જાણે રીઝન, બસ ઇનફ.

બહુ કરે છે હર્ટ, શાથી ટ્રૂથ આ;
ક્યાંક એજંડા છે હિડન, બસ ઇનફ.

થઈ ગઝલ પૂરી, ને બોલી પેન કશું;
એમ આઈ ટોટલી ડન? બસ ઇનફ.

અંગ્રેજી ભાષા એવી છે કે એમાં નવા ને નવા શબ્દો ઉમેરાતા જાય છે, નવા ને નવા માણસો બોલતા થાય છે. આપણી ગુજરાતી ભાષાને પણ થોડી flexible (જોયું?) ના બનાવી શકાય આપણી આવનારી પેઢી માટે?

હું

ના કર્યો મેં પ્યાર મારી જાતને;
ગણું છું કસૂરવાર મારી જાતને.

થઈને આવ્યો એમ, ઈચ્છ્યો જેમ તેં;
ના મળ્યો આકાર મારી જાતને!

દુશ્મનો પણ આવે, મુજ દુકાન પર!
ફાવે નહિ વેપાર મારી જાતને.

ઓળખી ના શકું હું તુજને, એવું કર;
હા, પછી કર વાર મારી જાતને!

ભરબજારે મળજે, મળવું હોય તો;
કે નથી ઘરબાર મારી જાતને!

ના કરો કશું એને, જો ચાહવું નથી;
કેમ કરું વ્યવહાર મારી જાતને?
‘અહ્ં બ્રહ્માસ્મિ’ જે વેદોમાં કહેવાયું છે, જે આપણે સૌથી વધારે ignore કરીએ છીએ.

અજવાળું

આંખ મીચીં તો અજવાળા થઇ ગયા!
શ્વાસ લીધાં, શ્વાસ કાળા થઇ ગયા!

પ્રેમ નામે એક સાગર આથડ્યો;
હાથ બોળ્યાં તો પરવાળા થઇ ગયા!

મેં તફાવત બહુ કર્યા બોલીને ‘તું’;
‘હું’ કહ્યું ત્યારે સરવાળા થઇ ગયા.

સાવ કોરાં કેમ લાગ્યાં આ નયન?
આંસુથી સપનાં હુંફાળા થઇ ગયા.

જોઇતી ન્હોતી દવા એ દર્દની;
લ્યો, મલમના રોગચાળા થઇ ગયા!

ઠેસનો ડર લાગે, ઘર પણ દૂર છે;
તોય રાહી સહુ પગપાળા થઇ ગયા.

કદરૂપો લાગી રહ્યો’તો આયનો
પેન પકડી તો રૂપાળા થઇ ગયા