કરું શું

રાત પૂરી થાય, સૂરજ નીકળે નહિ, તો હું શું કરું;
તોય સપનાના બે દીવા સળગે નહિ, તો હું શું કરું.

ગણિત કાગળ પર કરું તો, સાવ સહેલું એ પડે, પણ-
આંકડા ચહેરા ઉપરના આવડે નહિ, તો હું શું કરું?

એક ઘર છું હું ધબકતું, ગામના બીજા ઘરો જેવું;
તોય અંદર વાસણો જો ખખડે નહિ, તો હું શું કરું.

તારલા તૈયાર રહે છે, બસ, ખરી પડવા ધરા પર;
પણ તું તારી એક ચાદર પાથરે નહિ, તો હું શું કરું.

આ દિવસના શોરમાં તો કોણ આપે ધ્યાન મુજને;
રાતમાં પણ ચીસ દુ:ખની સાંભળે નહિ, તો હું શું કરું!

કરું શું, મોક્ષ ને સમાધિ, એક પળની જ્યાં ખબર નહિ;
અંત આવી જાય, આંખો ઉઘડે નહિ, તો હું શું કરું?

તું હસે એ

પ્રેમમાં તારા, અનોખી તાજગી છે, તું હસે એ.
એ શું છે, શૃંગાર છે કે સાદગી છે, તું હસે એ.

આ જુવાની છોને ચાલી, કોઇની ના લઉં મદદ હું;
એ જ તો ઘડપણની મારા, લાકડી છે, તું હસે એ.

બાગમાં ભમરા ઉડે છે, હા, વસંત આવી છે વહેલી;
ખીલી જે ગઇ, ફૂલની એ પાંખડી છે, તું હસે એ.

દર્દનો દુષ્કાળ સઘળે, ટીપું પણ આશાનું દોહ્યલું;
એવા રણમાં એ વરસતી વાદળી છે, તું હસે એ.

રાંક છું, ખાલી છું પૂરો, ના મળે જાગીર, દોલત;
તોય લાગે, આખી દુનિયા આપણી છે, તું હસે એ.

આમ સોનામાં ભળી છે, એવી તો સુગંધ જુઓ;
બોલે છે ગુજરાતી, આ પણ ગામઠી છેઃ તું હસે એ.