વિરહમાં

આવી જા પાછી કે તારી યાદ આવે,
સાવ પથ્થર જીભને જુબાન આવે.

ઘર તો જાણે તારી યાદોનો સમંદર,
બહાર નીકળું તો તરત વરસાદ આવે.

ફોન, ટીવી, ચોપડી ને ફેસબુક, બધું-
વ્યર્થ, જ્યારે યાદ બહુ ઇન્સાન આવે.

કરું શું દ્વાપરનું ને કળિયુગનું વિરહમાં,
મારે તો વીતે દિવસ ને રાત આવે.

આખરે ભૂલી ગયો હોઉં હું એને,
ને મને ભૂલી ગયાનો ખ્યાલ આવે.

એક કિસ્સો બેંકમાં રાખ્યો છે, જેથી;
રીતસર કાયમનું એનું વ્યાજ આવે.

વિરહઃ જુદાઈ, પ્રિયજનનો વિયોગ.

કડી

શાંત આંખો પણ ગમે ત્યારે રડી છે,
જિંદગીના ગીતની એ પણ કડી છે.

જોઇ નહિ જ્યારે મેં, સઘળે તો હતી એ;
આ હવા વાદળ બની નજરે ચડી છે.

બાળપણની સ્કૂલ જેવી જિંદગી છે,
ચાલુ થઈ કૉલેજ તો સમજણ પડી છે.

ચાલવામાં ના બન્યો ઠોકર જમાનો,
ત્યારે પોતાની જ ઇચ્છાઓ નડી છે.

બેફિકર છું, જિંદગીના કોયડાથી;
ઊલઝેલા છે એ, જેઓને પડી છે.

સાગરો ઘૂઘવશે, મારા લોચનોના;
તારી આંખોમાંથી ગંગોત્રી જડી છે!

પ્રેમમાં તો ના સફળતાનો મળ્યો સાથ,
કે ના આ નાકામિયાબીઓ લડી છે.

આવે છે ચુપચાપ, નાસી જાય જલદી;
ઓ સમય, પોકારવી તારી છડી છે.

એને ભેટેલો છું

ખાલી એનો જામ છે, એ તરસે પણ નહિ;
એને ભેટેલો છું, ને એ અડશે પણ નહિ!

જીવતો રહી જાય છે આ રાંક શાથી?
આપું કશું તો હાથ આગળ ધરશે પણ નહિ.

તેથી ચાહવાનું ગમે છે આ ખુદાને-
મૌન છે એ, હસશે પણ નહિ, રડશે પણ નહિ.

પીવડાવે જો એ, તો આનંદ આવે;
જાતે પી જાઉં, તો દારૂ ચડશે પણ નહિ.

પંથ લઉં ખોટો તો લોકો રોકશે નહિ,
જાણે લોકો, નહિ તો પાછો વળશે પણ નહિ.

ના હલાવ્યે રાખ સાકરને, ઓ અંગુલિ!
દૂધની ઇચ્છા વગર એ ભળશે પણ નહિ.

જો જુદા થઈએ તો શું અંજામ આવે?
જાણું છું, તારા વગર તો ગમશે પણ નહિ.

તું ગમે છે

તું ગમે છે, રોજ એ કહેવાનું રાખું;
એમ તારાઓ સુંધી ઉડવાનું રાખું!

રોજ બનતી રહે ગઝલ, મારી શમાની;
રોજ પરવાનો બની બળવાનું રાખું.

રાતદિન એને જ જોયા કરું, એ કહે તો;
કામ ધંધો છોડી આ કરવાનું રાખું.

પ્રેમનો પર્વત છે, દરિયો તો નહિ જ;
ચાલ, તો પણ ક્યાંક હું ડૂબવાનું રાખું.

શ્વાસનો કૂવો આ, ખાલી થઈ જવાનો;
જોઉં એને, પાણી ત્યાં ભરવાનું રાખું.

શાયરી ના ફાવે, મારું કોઈ ગજુ નહિ;
તે જે બોલી જાય, એ લખવાનું રાખું.

આ ગઝલને સાવ હલકી ફુલકી જ બનાવવી હતી.
સામાન્ય રીતે પ્રેમને દરિયા સાથે સરખાવવામાં આવે છે, જેથી ‘એ તો આના પ્રેમમાં ડૂબી જ ગયો છે’ એવું કહી શકાય. પણ એ પ્રેમી માટે એવો પણ સમય આવે, કે જાત-જાતની અડચણો સહન કરીને એ તો પાગલ (દીવાનો) જેવો, સાવ એકલો થઈ ગયો હોય, છતાં એણે પ્રેમ છોડ્યો ના હોય તો આપણા પ્રેમીએ હિમાલય સર કર્યો કહેવાય કે નહિ?
પાણી ભરવું એ રૂઢિપ્રયોગનો સામાન્ય અર્થ ઉતરતી કક્ષાના હોવું, સરખામણીમાં નબળાં હોવું એવો થાય છે. પણ જેને પ્રેમ કરીએ છીએ એનાં સમકક્ષ હોવાની કલ્પના પણ ના કરતાં હોઇએ તો આખો શ્વાસનો (આખી જિંદગીનો) કૂવો પાણી જ ભરવાનું આવે!

હમણાંથી વધે છે એકલાપણું

કેમ હમણાંથી વધે છે એકલાપણું?
એવું લાગે છે, સદે છે એકલાપણું!

વેડફ્યા પૈશા જૂઓ, સંબંધ માટે;
કેટલું સસ્તું મળે છે એકલાપણું.

શોધતો’તો કેમ એને આજુબાજુ?
મારી ભીતરથી જડે છે એકલાપણું.

હોય છે એમાં શું છૂપું, સિવાય પાણી;
આજ વર્ષામાં પડે છે એકલાપણું.

જાત સાથે બોલું, તો વાંધો શું તમને;
કે મને એટલું ગમે છે એકલાપણું.

શોક શાનો થાય છે મિલાપ વખતે?
એવું ક્યાં છે, કે છળે છે એકલાપણું?

ફેર એને શું, એ રહે દૂર કે સમીપે;
માનવી, કે જે કળે છે એકલાપણું.

Paul Tillich : Language… has created the word “loneliness” to express the pain of being alone. And it has created the word “solitude” to express the glory of being alone…