હું સવાયો છું ગઝલમાં

સરસ રીતે, જુદી રીતે, કોતરાયો છું ગઝલમાં;
છું તેનાથી વધારે હું સવાયો છું ગઝલમાં.

પ્રયત્નો ના કરે ખોટાં, જમાનો શોધવાના;
હું થોડો નહિ, હું તો આખો સમાયો છું ગઝલમાં!

હું તો નીરસ છું, એ કહે છે, મળે છે જેટલાને;
હું મહેફિલો મહીં સાકી, પીવાયો છું ગઝલમાં.

હતો, હોઇશ હું, હંમેશા, એ જાણી લો હરીફો;
હું મૃત્યુથી સરસ રીતે સચવાયો છું ગઝલમાં.

એ છે તલવાર શબ્દોની, અર્થોની ધાર એને;
છતાં ખુલ્લી કરી છાતી, ઘવાયો છું ગઝલમાં!

સનમને એટલે લાગી, ગઝલ મારી નઠારી;
બધાનો થઈ ગયો, હું ક્યાં પરાયો છું ગઝલમાં?

સાકીઃદારૂ પીરસનાર; bartender.
નઠારું:ખરાબ;ગંદું.

 

આ યાદો

એ આંખોને પીગાળી દે, આ યાદો પણ ખરી છે;
પછી એને થીજાવી દે, આ યાદો પણ ખરી છે.

હૃદયની પાસે ના રાખો, હૃદયથી દૂર સારી;
એ તો અડ્ડો જમાવીદે, આ યાદો પણ ખરી છે.

ભલે ડૂબી ગયો એમાં, એ ડૂબાડી દે છે, પણ;
એ ભવસાગર તરાવી દે, આ યાદો પણ ખરી છે!

પ્રથમ તો એકલો લાગું, બધાને બહારથી હું;
ને અંદર ધૂમ મચાવીદે, આ યાદો પણ ખરી છે.

ઉમેરી દઉં બધા સગપણ, પછી ઓછાં કરી દઉં;
એ છેદ જ ઉડાવીદે, આ યાદો પણ ખરી છે!

મને દેવાંગ આશા છે, જમાનો યાદ રાખે;
એ તો હસ્તી મીટાવીદે, આ યાદો પણ ખરી છે.

કેમ ભૂલું

ખૂલે છે રોજ આંખો, એ સવારો કેમ ભૂલું;
બતાવી દે છે રસ્તો, એ ઇશારો કેમ ભૂલું?

તને હું બેફિકર લાગું, ખબર છે દોસ્ત મારા;
છે નક્કી, કે અહીંથી છું જનારો, કેમ ભૂલું?

મને મંજૂર છે માળી, ફૂલો ખીલે કે કાંટા;
પડ્યો છે જિંદગી સાથે પનારો, કેમ ભૂલું?

પછી લાગ્યાં મને ગમવા, સમયના ઘૂંટ કડવા;
થતો રહે જો સતત તેમાં વધારો, કેમ ભૂલું?

લખ્યાં છે નામ રેતી પર, ભૂંસી દઉં સઘળાં જ્યારે;
ને આવી જાય ત્યારે જ વિચારો, કેમ ભૂલું?

નદી તો પણ સમંદરને મળી ગઇ એમ અંતે;
કશુંક તો છે જે લાગે છે સહારો, કેમ ભૂલું?

કુદરત, નસીબ, ઇશ્વર, ખુદા, મહેનત. દરેક માણસે આની વ્યાખ્યા બદલાતી રહે છે.