સદીઓ વીતી

સદીઓ વીતી આદમ પણ વખત શું છે?
હું આગળ રહું બધાથી એ શરત શું છે?

અહીં આતંકવાદી છે છુપાયેલો,
શું પાકિસ્તાન છે દોસ્તો, ભારત શું છે?

હથેળીમાં ને મુઠ્ઠીમાં ફરક શાનો?
મહુરત શું છે બ્રાહ્મણ ને હાલત શું છે?

કરે છે કોણ નક્કી આ, ખબર ક્યાં છે;
શું છે સાચું ભલા માણસ, ગલત શું છે?

હું સમજું પ્રેમને, જ્યારે મળે ઉત્તર;
શું છે મારું ઝનૂન, તારી આદત શું છે?

શિખર સર કર્યું છતાં, લાગી મને ઠોકર;
શું છે પથ્થર અમસ્તો ને પર્વત શું છે?

બહુ જ બધા પ્રશ્નો પૂછી નાખ્યાં મેં. પણ આ જાહેર પ્રશ્નો છે, અંગત નથી.
ગુજરાત સમાચાર ન્યુઝપેપરના કૉલમીસ્ટ જય વસાવડાની રસપ્રદ કૉલમ સ્પ્રેક્ટોમીટરના
તા. 5/22/2011 ના અંકમાંથી સાભાર પ્રેરણા.

બળે જે આંખમાં

હૃદયના ઉભરા તો જ્યારે જલદ હોય,
બળે જે આંખમાં, એ બધું સુખદ હોય.

દીવાનો લાગું છું, શું વાંક છે મારો?
જમીં હો હાથમાં, પગમાં ફલક હોય!

ન કાઢો આંખ, પણ મીચીં જૂઓ થોડી;
બે આંખોનીય જેને ના શરમ હોય.

મને વાંધો નથી, વટલાઇ જાઉં તો;
જો સુંદર હોવું એ તારો ધરમ હોય!

એ તો સામાન્ય છે, ભૂલી પડે નૌકા.
આ દરિયામાં તો ક્યાંથી કોઇ સડક હોય?

પૂછી લઉં, કેમ છો? જેને મળું સામે;
જરુરી ક્યાં છે કે એમાં ગરજ હોય.

ફલક=આકાશ