સપનું સાચું પડ્યું

સવારે રાતના એ શમણા તો ગુલાબ થઈ ગયા,
હા, સપનું સાચું પડ્યું એ, કે અમે નવાબ થઈ ગયા.

સૂરજને જીતવો જ પડશે, વાદળોનો ગઢ હવે;
કે મેઘચાપથી આ રંગ બેનકાબ થઈ ગયા.

વિચાર આવી શું ગયો, હૃદયરૂપી જગત મહીં;
એ ઈદનો છે ચાંદ, તોય આફતાબ થઈ ગયા!

દરેકને ચુભ્યા છે સ્પર્શ, કંટકો સમાન મુજ;
નજર શું થઈ ત્યાં એમની, એ ફૂલછાબ થઈ ગયા.

ખુદા, હવે જરૂર તારી હોય નહિ, તું સમજે છે;
કે ખુદની સાથે જ સવાલ ને જવાબ થઈ ગયા!

ગઝલ બે-ત્રણ લખી શું દીધી, આ ફકીરે શોખની;
દુકાને લેણદારના બધા હિસાબ થઈ ગયા.

મેઘચાપઃ મેઘધનુષ
આફતાબઃ સૂરજ